સંગીત
સંગીત
જનનીના હાલરડેથી પ્રગટ્યું હશે સંગીત,
પ્રફુલ્લિત મનોદશામાં ગવાયું હશે સંગીત.
વ્યસ્તતા ભૂલવાને લલકાર્યું હશે સંગીત,
ભૂલકાંનાં બાળગીતે સાંભળ્યું હશે સંગીત.
શાળાની પ્રાર્થનામાં હરખાયું હશે સંગીત,
કોકિલ તણા ટહૂકારે પરખાયું હશે સંગીત.
મયૂરના વર્ષાપોકારે ઓળખાયું હશે સંગીત,
લગ્નગીતના ઉચ્ચારે સળવળ્યું હશે સંગીત.
ખળખળ વહેતાં ઝરણે માણ્યું હશે સંગીત,
મહેફિલોની મધ્યે ઝણઝણ્યું હશે સંગીત.
ભક્તોના તંબૂરતારે જાણે વહ્યું હશે સંગીત,
કલાવતી માલકૌંશમાં રખૈ ગમ્યું હશે સંગીત.
બંસીના સૂરે ગોપીજનને ફાવ્યું હશે સંગીત,
નૃસિંહ કેદારના કરતાલે વસ્યું હશે સંગીત.
