સમયનાં બીજ
સમયનાં બીજ
સમયનાં થોડા બીજ લઇ,
મેં તેને શબ્દોમાં વાવ્યાં,
જતનથી પીવડાવ્યું પાણી,
અને પ્રેમથી ખૂબ લાડ લડાવ્યાં,
સમયની લીલી નાજુક કૂંપળ ફૂટી,
તેમાં શબ્દોનાં નમણાં અંશ દેખાયાં,
વિકસ્યો સમય અને બન્યો તે છોડ,
પાંદડાઓમાં શબ્દોએ ઘર વસાવ્યાં,
થયો લાગણીનો ઝરમર વરસાદ,
તો ગદ્ય અને પદ્યનાં ફૂલો આવ્યાં,
સમય વિકસ્યો, અને બન્યો તે વટવૃક્ષ,
અને તેણે મીઠાં ગઝલનાં ફળ ખવડાવ્યાં,
ખુશ થઇ જયારે માન્યો સમયનો આભાર,
તો સમયવૃક્ષને મળી વાચા, તેણે પર્ણ હલાવ્યા,
"સમય છું હે માનવી, સમજ્યાં મને તેને હસાવ્યાં,
વેડફ્યો મને નકામો સમજી, તેને છે મેં રડાવ્યાં"
"જ્યાં વાવશો ત્યાં હું ઉગી નીકળીશ, ધીમે ધીમે,
આપીશ હું ઘણું, જેણે મહેનતથી પગ તપાવ્યાં."
