સમય આવી ગયો
સમય આવી ગયો
હવે " આવજો " કહેવાનો સમય આવી ગયો.
હવે વિદાય લેવાનો સમય આવી ગયો.
ના પૂછશો મને અનુભવો આ દુનિયાના કેવા?
મનની મનમાં રાખવાનો સમય આવી ગયો.
બહુ વીતાવી જિંદગાની અનુકૂલન આચરીને,
હવે એને સાવ ભૂલવાનો સમય આવી ગયો.
હતો આવવાનો આ દિવસ ખબર હતી મને,
સઘળું ત્યજીને જવાનો સમય આવી ગયો.
નથી પીડા કોઈ અંતરે કશુંક ન પામ્યાની હવે,
હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો.
લેજે આવકારી ઈશ અવગુણ મારા ભૂલીને,
તારા શરણે આવવાનો સમય આવી ગયો.
નથી કોઈ ચાહ અધૂરી કે ખટકતી રહેતી જે,
મળે જે તેને પામવાનો સમય આવી ગયો.
ક્ષમાપ્રાર્થી છું હે પ્રભુ તારો ને આ જગનો,
" અલવિદા " ઉચ્ચારવાનો સમય આવી ગયો.