સ્મૃતિમાં સંઘરાયેલી મીઠી યાદો
સ્મૃતિમાં સંઘરાયેલી મીઠી યાદો
અવકાશ જ નહીં મળે તને જરીય મારાથી દૂર રહેવાનો,
હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો.
જન્મોથી બન્ધાયેલ જાણે પ્રીત તારી મારી,
વસમી હોય આ જુદાઈ ભલેને તારી મારી,
અંતર નથી બે હૈયામાં તો હવે અંતર રાખી હું પણ નથી જીવવાનો,
હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો..
મીઠડી મુલાકાતો ભૂતકાળની સ્મરણ કરી,
ધડકન મારી હદયની રાણીના જ નામ કરી,
અહેસાસ હૈયાનો ન સમજનાર આ જમાનો કાંઈ નથી કહેવાનો,
હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો.
ઠંડી લહેરો પહોંચાડશે પ્રેમ તુજ હૈયામાં,
પાવન પ્રેમની વહેશે સરિતા તુંજ હૈયામાં,
માણી સ્પર્શ તારો હું દૂરથી અઢળક પ્રેમ તને કરતો જ રહેવાનો,
હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો.
શુદ્ધ પ્રેમનાં શબ્દોને સમજે નહીં કોઈ ભલે,
ઘાયલ હદયની પીડા ઘાયલને જ સમજ પડે,
"રાજ' હદયમાં તવ પ્રેમનો સાગર સદાય ઘૂઘવતો જ રહેવાનો.
અવકાશ જ નહીં મળે તને જરીય મારાથી દૂર રહેવાનો
હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો.