સમજુ ડોશીનો કાગળ
સમજુ ડોશીનો કાગળ
લખ્યો છે સમજુ ડોશીએ, શબ્દો વિનાનો એક કાગળ,
પહોંચશે, પણ વાંચશે ખરો, એ શંકા કરે તેને વિહવળ,
આથમતી વયે થયું છે, જીવતર નિરાશાભર્યું વાદળ,
લાગણીનો દરિયો ઘૂઘવે, તોયે મન કેમ થાયે વ્યાકુળ,
ઊગતા'તાં રોજ નિતનવાં, વ્હાલપના ઝરણાં નિર્મળ,
શબ્દોના કુહાડે, ઉખડી જતું સંબંધોનું વૃક્ષ સમૂળ,
વાટ જોતી થાકે માતા, વધ્યો છે, બસ, યાદોનો વાગોળ,
ઘડપણે ધ્રૂજતી કાયા, આવે દીકરો, ડોશી કરે માત્ર ડોળ,
પાણિયારું, વાળું-વાસીદું કરતાં, વીતે જીવનનું ચકડોળ,
ચરખાની પુણી જેમ કંતાતી, પગે જાણે મમતાની સાંકળ,
તાવડીના તાપે ટેરવાં દાઝે, કરે નેજવું પણ નજર નબળી,
ટેકા વગરના મોભની, હવે તો કડડભૂસ થઈ છે ભૂગોળ,
મરણમૂડીમાં છે લીલી લાગણીને, આંખો કોરી ધાકોર,
વસીયતમાં મૂકે ડોશી, પેટે પસ્તાયાનું પારાવાર ભંડોળ.