ખોળિયું
ખોળિયું
ખૂણે ખૂણે ઘરને જોઈ લીધું
કંઈ રહી જતું તો નથી ને,
સાફસૂફી તો કાલે અજવાળે
કિંમતી આડું તેડું પડ્યું તો નથી ને,
કબાટો જોઈ લીધા ખેંચીને
ભૂલથી મૂક્યું ખુલ્લું તો નથી ને,
આલ્બમ ફોટાનું લીધું ચકાસી
ફોટા આડા અવળા થયાં નથી ને,
સૂતાં સૌ ઘસઘસાટ થાકીને
ઓઢ્યા વિના કોઈ રહ્યું તો નથી ને,
ખાત્રી કરી બધી પહોંચ્યો સ્વસ્થાને
જોઈ લીધું ફ્રેમ પડી તો નથી ને,
જોયા કરું છું બાર દિવસથી
કાલે કરવડો, જીવ રહ્યો તો નથી ને.
