એક બહાનું
એક બહાનું
સવારે ડાઈનિંગ ટેબલ પર
વધારાની ચ્હા તો એક બહાનું,
છાપું ને ટીવી બંને આપે
દેશ વિદેશની ખબરો,
"હા, વાચ્યું, હા,જોયું
હેં, ક્યારે શું વાત છે"
એવું ઘણું ઘણું ને કંઈક કંઈક
સાંજે બેસી હિંચકે,
પત્તાની રમી તો એક બહાનું,
"પેલું કામ બાકી રહી ગયું છે
એ, આનું શું કરશું,
વાંધો તો નહિ ને
છોડ, જોઈ લઈશું"
એવું ઘણું ઘણું ને કંઈક કંઈક
વાળુ ટાણે છોકરાઓની
સાથે રાહ જોવાનું તો એક બહાનું,
જોબ, પ્રમોશન, સ્ટ્રેસ, ટેન્શન
બદલાતી લાઈફ સ્ટાઈલ,
વિના કારણની ફિકર,
ને આવતાં જ, "કુલ".
એવું ઘણું ઘણું ને કંઈક કંઈક
રાત્રે ડબલ બેડ પર
મોડે સુધી જાગવાનું તો એક બહાનું,
આ રહી ગયું, તે ન થયું
"આવું થોડું ચાલે ?"
"બધું એકને જ માથે ?"
"મારી જિંદગી આમ જ ગઈ."
પડખું ફરી જાગતા સૂઈ જવું
એવું ઘણું ઘણું ને કંઈક કંઈક
વચ્ચે ગોઠવાયો અહમ્ જ્યારથી,
વધારાની ચ્હા
સાંજની રમી
વાળુ ટાણેની ફિકરો
ડબલ બેડના રિસામણા મનામણાં,
બધું જ ખોવાઈ ગયું છે,
બહાના વિનાની જિંદગી જ શું
ચાલ, સાથે મળીને
નવેસરથી શરૂઆત કરીએ
એક બહાનાથી.

