સીમ
સીમ
ગ્રીષ્મમા ગગનથી ભાસતા,
શ્યામ ચોટલા કેરી હાર,
સુકા ભઠ ખેતર તડકે દીસતા,
જાણે કે વિધવા નાર.
કાળી ભૂખરી ધૂળના અંગ પર,
અનંત ઢેંફા વિખરાયા,
ધરતીને માનવી પશુ પંખી,
કે વૃક્ષ ક્યાં લાગે પરાયા !
સેઢે લીલા આવળ બાવળ શોભે,
જડી સાડલાની કોર,
ચાસમાં ધાન વીણી હારમાં,
ચકલા કાબર મચાવે શોર.
નીરખી વાદળી ટહુકતા મોરને,
સીમની કરુણા નીપજી,
અષાઢી રાતે વીજના અજવાળે,
વરસી મેહધારા ઉપજી.
ધરબ્યા મુઠ્ઠીભર ધાનને ચાસમાં,
દીલ દઈ ધરતી પુત્રે,
કોમળ કૂંપળો ફૂટી હારબંધ જ્યમ,
વેણી સજી કેશ સુત્રે.
લહેરાતા થયા વાડીમાં અન્નના,
ભંડાર લીલા છોડ પર,
નવોઢા સા સજી સીમે રંગીન,
બેનમૂન કંગન ધર્યા કર.
હૈયે હરખતો ક્ષેત્રપાલ હાથમાં,
પુષ્પ લઈ લણવા પાક,
ભરપેટ આરોગી પારેવડાં સુડા,
સામટા ઉતારતા થાક.
હેમંતમાં હૈયે હામ ધરીને નીકળી,
સીમ તાતને પામવા,
શીત વસંતે પ્રસ્વેદ નીતારતા,
ક્રુષિકર કણીકાને કામવા.
કલરવ કરતા પંખીડા ને તારલા,
જાણે આભ થયું ઉલટું,
સીમ કહે તાપના ભાર સહી પોષતાં,
જગત ભાગ્ય પલટું.