શોખમાં ઊભો કર્યો
શોખમાં ઊભો કર્યો
જ્યારથી પૂતળું બનાવી ચોકમાં ઊભો કર્યો;
ત્યારથી લાગ્યાં કરે કે શોખમાં ઊભો કર્યો.
નોટ પર છાપ્યો ભલે તો પણ કશું બોલ્યો નહીં,
શ્યામ નાણાંમાં સમાવી લોભમાં ઊભો કર્યો ?
આજે હજુય મૂલ્ય છે ગાંધીવિચારનું;
સમસ્ત પૃથ્વીપટ પરે વ્હેલી સવારનું.
શાને સમજ છે સાંકડી સમજી શક્યાં નહીં,
ઊંચકી નહીં શકો વજન વધતાં આ ભારનું!
લાકડી સાહી છતાં એ મારતો નથી;
અર્થ એનો એ નથી ઠપકારતો નથી,
જાતનું વસ્તર ફગાવે એમ ફેંકશે,
કેમ માનો છો હજું કે વારતો નથી ?
શ્રેષ્ઠ જળની શોધમાં એ ઝેરને પીતો રહ્યો;
આપણામાંનાં બધાયે વેરને પીતો રહ્યો.
આજિવન સુકરાતે ક્યારે ઝેરને પીધું હતુ?
આજિવન ગાંધી જ કાળાકેરને પીતો રહ્યો!