શબ્દોનું પ્રતિસ્પર્ધી કોણ ?
શબ્દોનું પ્રતિસ્પર્ધી કોણ ?
ક્યારેક કાગળ પર લખાઈ ગયા,
તો ક્યારેક હદયમાં કોતરાઈ ગયા,
શબ્દો તેમના મનના માલિક છે,
જ્યાં ગમે ત્યાં ગોઠવાઈ ગયા.
ક્યારેક વર્ષામાં ભીંજાઈ ગયા,
તો ક્યારેક રણમાં સૂકાઈ ગયા,
શબ્દોનું ખુદનું અલગ વાતાવરણ છે,
જ્યાં ગમે ત્યાં વિખરાઈ ગયા.
ક્યારેક ગીતમાં ગવાઈ ગયાં,
તો ક્યારેક હાલરડાંમાં છૂપાઈ ગયાં,
શબ્દોનું ખુદનું વ્યક્તિત્વ છે,
જ્યાં ગમે ત્યાં દેખાઈ ગયા.
શબ્દો બોલ્યા, છે કોઈ પ્રતિસ્પર્ધી અમારું,
કે બધાનાં શસ્ત્રો છે સાવ કટાઈ ગયા ?
પણ ત્યાં જ મૌને માત્ર ખાધો ખોંખારો,
શબ્દો ભયભીત થઇ આમતેમ છૂપાઈ ગયા.
