સદા યુવાનીને જીવેલા : દિવ્યકાંત પટેલ
સદા યુવાનીને જીવેલા : દિવ્યકાંત પટેલ
અલબેલી આલમના ધણી બનીને ફરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે;
કંટાળાનું નામોનિશાન નજરે ન ધરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે.
શિક્ષક હતા તો ખરું શિક્ષકત્વ દાખવ્યું,
મિનિટ પણ ન મોડા પડવાનું પ્રણ ભાખ્યું;
બાળકો સાથે જ્ઞાનની દુનિયામાં ફરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે.
સિક્કા એમની દુનિયાનાં અલંકાર,
ટપાલ ટિકિટોનો તેમનો ભર્યો ભંડાર;
ચલણીનોટોના આલ્બમ ઠાંસીને ભરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે.
વ્યૂકાર્ડ ને ગંજીપાનાના જોકરોય રાખે,
સામાન્ય જ્ઞાનની વાણી અવિરત ભાખે;
રેવન્યૂ સ્ટેમ્પનો આલ્બમ સૌ સામે ધરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે.
બાકસની છાપો ને બટનો અવનવા,
પથ્થરોના નમૂનાયે માંડે ભેગા કરવા;
સતત જાદુઈ જગતમાં મસ્તીથી વિહરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે.
છે કલમના કસબી કુતૂહલકાકા,
’નોલેજ’ની બાબતમાં ખૂબ છે પાકા;
અખબારી આલમમાં સદા સંચરે,
સાત દશકના યુવાન એવી કમાલ કરે.
