રવિવાર
રવિવાર
મુખડાં સૌનાં મલકાવે મોજીલો રવિવાર,
ખુશીઓને છલકાવે છે રસીલો રવિવાર.
આખા અઠવાડીયાનો થાક ઉતારીને,
સૌમાં જોમ નવું ભરતો જોશીલો રવિવાર.
કામ બધાં પૂરાં કરવાની હોંશ જગાડે,
ઉત્સાહ અને ઉમંગસભર હોંશીલો રવિવાર.
ક્યારેક જગાડે ઉલ્લાસ ભરે આળસ પણ,
છે નટખટ, તોફાની ને તોરીલો રવિવાર.
મિત્રો, કુટુંબીઓ, ને પ્રેમીઓ સૌને
મળવાનો મોકો આપે ગમતીલો રવિવાર.
ઈચ્છે સૌ તેમ છતાં પણ રોકાય નહીં એ,
જાય ઝડપથી છે હઠીલો, વેગીલો રવિવાર.
અંતરનાં આકાશમાં નિત્ય નવાં રંગ ભરે,
"ગીત" છે સૌનો મનગમતો રંગીલો રવિવાર.
