રંગ છલકે
રંગ છલકે
હાં રે સખી હૈયું મારું આજ હરખે,
હાં રે મારું મુખડું ઠાલેઠાલું મલકે,
હાં રે કા'ના વાટલડી જોઉં એક પલકે,
રંગ રે રંગ છલકે...
હાં રે તું આવી જા બાંકેબિહારી,
હાં રે લઈને આવજે કનક પિચકારી,
હાં રે આજ કોરી રહે ન એકે સારી,
રંગ રે રંગ છલકે...
હાં રે કા'ના કરજે ન તું શિરજોરી !
હાં રે તું કાળો ને હું છું ગોરી-ગોરી,
હાં રે હું તો રાધા બરસાનાની છોરી,
રંગ રે રંગ છલકે...
હાં રે હું તો લાવી કેસરિયો પલાશ રે,
હાં રે ગોપી લાવી અબીલ કેરો થાળ રે,
હાં રે શ્યામ લાવ તું મુઠ્ઠીભર ગુલાલ રે,
રંગ રે રંગ છલકે.

