રેખા
રેખા
એક રેખા આભમાં દેખાય છે
જ્યાં સૂર્ય ચમકે ને ચાંદ પણ ડોકાય છે
જેટલી નાંખું ને દૂર હું નજર
ધરા ઊંચી ને આભ ઝૂકતું જાય છે !
જાણ છે એ કંઈ નથી પણ કૈંક છે
રાત-દિવસ ત્યાંથી જ તો થાય છે,
પળ, મહિના, વર્ષ ને યુગ વીત્યાં કરે
એમને કાંઈ અસર ના થાય છે !
આપણે ઉઠ્યાં ને ફરી સૂઈ ગયાં !
એમને આરામ ક્યારે થાય છે ?
જ્યારે જુઓ ત્યારે તે તેજોમય દીસે
આભ માં કોઈ બીજા એનાં જેવાં’ય છે !
ના,ખબર નથી આ તો જરાક ધાર્યું
ભલા, ધારવામાં આપણું શું જાય છે ?
ના,ગયું કંઈ એટલું જ સામું મળ્યું
ને આલવામાં એ તો બહુ હરખાય છે !
એક ખરતો તારો પૂરે છે આશ તો
તારામાંનું બ્રહ્માંડ પણ ટમકાય છે !
ભૈ,દેખી શકે જેની હો જેવી જ્યાં નજર
બોલો,બંધ આંખે આંસુ કાં છલકાય છે ?
દુઃખ નહિ એ છે હરખ નું વહેણ ભૈ
જેટલાં ડૂબો એ તરતું જાય છે,
ના બંધ નહિ જરાંક જ ખોલો પલક
જુઓ,ને કંઈ આંખમાં દેખાય છે ?
જ્યાં સૂર્ય ચમકે ને ચાંદ પણ ડોકાય છે
એક રેખા આભમાં દેખાય છે !
