ઓળખ સમયની
ઓળખ સમયની
કોઈ કહે સમયને બૂરો તો
કોઈ કહે એને કોઈ ભલો
કરતો ફિકર ના કોઈનીયે એ તો,
ચાલતો એકલો અટૂલો
નહીં કોઈ સંગી સાથી એના
ના કોઈનો સથવારો,
માથે એને તો નથી કાનો કે
ના સંગ એને છે માત્રો
સંગે ચાલતા ચાંદો સૂરજ,
વારાફરતી એય બાર કલાક
સમય ખાય ના પોરો ઘડીયે
ફરજ બજાવે ચોવીસ કલાક,
ચાલે કદી ના ધીમો એ તો
ચાલે કદીના ફાસ્ટ
આવશે એક દિ સારો જરૂર
મનમાં સહુને એક જ આશ
રાયને પળમાં રંક કરતો
કરે રંક ને રાજા
ધીમી છતાં મક્કમ ગતિએ
કરતો ફરે કામ જાજા,
પાંડવરાય પરિક્ષિત મોટો
આત્મા ખુબ પવિત્ર
ફેરવી એનીયે બુદ્ધિ સમયે
કરાવ્યું કામ વિચિત્ર,
દીઠા વનમાં ઋષિ સમીક
કરતા મગન હરિધ્યાન
સમય સમજાવે રાયને
ઋષિએ કર્યું એનું અપમાન,
ફેંક્યો ગળે એક મૃતક સાપ
ઋષિ પુત્ર એ દીધો શ્રાપ
રાજા થઈ બન્યો ભક્ષક
કરડશે સાતમે દિ તક્ષક
સમય વીત્યે એને આવ્યું ભાન
મળ્યા શુકદેવ સંત સમાન
રાજા દશરથ બ્રહ્મના બાપ
સમય કરાવે એનેય પાપ,
શિકાર કરીને નદીએ જાય
જળ ભરવા આવે શ્રવણ ત્યાંય
શ્રવણ બિચારો ભરતો નીર
રાજા દાસરથ તાકે તીર,
ધસમસતું મારે છે બાણ
પળમાં ગયા શ્રવણના પ્રાણ
માતપિતા બેય આંખે અંધ
દશરથ કરે હવે મોઢું બંધ,
શ્રવણ વિયોગે ઝૂરે માબાપ
સમય દેવડાવે દશરથને શ્રાપ
રામને રાજની ગાદી દેવાય
સમય સમયસર પહોંચી જાય,
મંથરા દાસી મંદમતી
ફેરવે સમય હવે એની મતિ
કૈકેયી માંગે બે જ વચન
ભરત ને ગાદી રામને વન,
તોડે સમય અહીં અદભૂત ન્યાય
દશરથનું હવે મૃત્યુ થાય
રાવણ મોટો રાજિયો
લંકાકેરો રાય
વનમાં જઈ ખૂબ તપ કરે
દેવતાઓ પ્રસ્સન્ન થાય,
અમરપણાનું અભય વચન
માંગે રાવણરાય
ખુબ વિચારી માંગે વચન
મૃત્યુ કોઈથી ન થાય,
સમય આવીને ફેરવે મતિ
નર વાનરને દે અનુમતિ
સમય કરાવે સીતાહરણ
રામને હાથે થાય મરણ,
તેથી જ કહે સહુ સનત્સુજાણ
સમયે મનવા જપ હરિ નામ
સમયે ના લઈશ જો તું નામ
થઈ જશે પળમાં કામ તમામ.
