ઓ સર્જનહારા.....
ઓ સર્જનહારા.....


ઓ સર્જનહારા, કર્યું તે સર્જન અપરંપાર
વિધ વિધ રંગોથી કર્યા પૃથ્વીના શણગાર
ઘૂઘવાટ કરતો રત્નાકર અફાટ લહેરાય
મીઠાં જળ સરિતાનાં એની મહીં ઠલવાય
સવારે થાય સૂર્યોદય ને થાય સૂર્યાસ્ત સાંજે
નવાં રંગ ઋતુ ઋતુનાં પૃથ્વીની શોભા વધારે
લીલી વનરાજીઓથી હરિયાળા શણગાર થાય
ક્યાંક વળી સૂકાં રણથી અવનિ પણ કરમાય
રંગોની પીંછી છાંટીને સૃષ્ટિ બનાવી વિવિધ રંગી
ને વળી નભમાં પણ રચાય ઇન્દ્રધનુષ સપ્તરંગી
ઘડ્યું એક અલૌકિક પ્રાણી મનુષ્ય નામે
નર-નારીની જોડ સરીખી આ પૃથ્વી ઉપરે
મીઠાં માનવ સંબંધોથી મહેકાવ્યા કુટુંબ પરિવાર
ઓ સર્જનહારા, કર્યું તે સર્જન અપરંપાર.