નિશ્ચય લીલાં પર્ણનો
નિશ્ચય લીલાં પર્ણનો
નાનકડું એક કૂંપળ ફૂટ્યું આભને આંબવા જાણે,
નાજુક,નમણું, સોનાવર્ણું ફૂટ્યું નાનકડી ડાળખીએ.
કોમળ કોમળ અંગ એનું ઝાકળ સંગાથે ચમકી રહ્યું,
વર્ષાનાં અમીછાંટણામાં હસતાં હસતાં પલળતું રહ્યું.
વિહરતાં સૂરજનાં સથવારે એ સદા વિસ્તરતું રહયું,
તામ્રવર્ણી તપતી કાયા ધીમે-ધીમે પરિપક્વ થતું રહયું.
વાયરા સંગ ઝૂલતાં પોષણ ડાળીએથી મેળવતું રહયું,
મોટું થતાં પરિપક્વ થઈ રંગ ધીરે-ધીરે બદલતું રહયું.
ઘાટા ઘેરા લીલાં રંગમાં હળવે હળવે જ ઢળતું રહયું,
હાલતું ડોલતું વિસ્તરતું ધીરે ધીરે હલચલ કરતું રહયું.
લીલા રંગનું પાન મઝાનું વાયરા સંગ વાતો કરતું રહયું,
હ
વાની ધીમી લહેરખીએ એ રૂઆબથી ડોલતું રહયું.
વિધિની વક્રતા પણ જુઓ ! સમય રેતની માફક સર્યો,
નાનકડાં લીલાં પર્ણને એનો અનુભવ તો જબરો થયો.
નિશ્ચિય કર્યો તુરંત મનમાં સેવા કાજ જીવન સફળ કરું,
સૃષ્ટિનો નાનકડો ભાગ બની સેવામાં જીવન અર્પણ કરું.
સૂર્યનો કિંમતી પ્રકાશ ઝીલી વૃક્ષોને લીલાંછમ રાખીશ,
પશુ-પંખીઓને શીતળ છાયા માટે હું સદા તત્પર રહીશ.
પ્રદૂષણ શોષી લઈને વાતાવરણ હરપળ શુધ્ધ રાખીશ,
પરિપક્વ થતાં ખરીને, ખાતર બની જીવન અર્પણ કરીશ.
ટૂંકું જીવન લીલાં પર્ણનું જીવનનો ગૂઢાર્થ સમજાવી ગયું,
પર્ણનું જીવન ટૂંકું પણ સૌને એ શાનમાં સમજાવી ગયું.