નહીં
નહીં
કદી કોઈને પણ કાંટા બની વાગવાનું નહીં,
નિર્દોષને દોષિત ગણી કદીય દંડવાનું નહીં.
કોઈ કોઈને વગોવે તો ધ્યાન આપવાનું નહીં,
કોઈપણની નિંદા - કુથલીમાં પડવાનું નહીં.
મર્યાદાને ઓળંગીને આગળ વધવાનું નહીં,
કોઇપણનું ફૂલેકું ફેરવીને પછી ફરવાનું નહીં.
કોઇનું સુખ નિહાળી ઈર્ષામાં પડવાનું નહીં,
દુશ્મન આવે સામે પારોઠ પગ ભરવાનું નહીં.
શરાબ અને જુગાર જેવા રસ્તે ચઢવાનું નહીં,
વ્યાજે રૂપિયા લઈ માથે દેણું કરવાનું નહીં.
રસ્તે ચાલતા વસ્તુ મળે એને અડવાનું નહીં,
સાત સાડલા ભેગા કરીને ઘર ભાંગવાનું નહીં.
પેટ મેલાની જોડે ક્યારેય પણ બેસવાનું નહીં,
ખોટી રીતે એકબીજાનું જરાય ખેંચવાનું નહીં.
કોઈનાં ઉભા મોલમાં કદી ધણ ચારવાનું નહીં,
વૈમનસ્ય પેદા કરી કોઈ લોકોને વઢવાનું નહીં.
વ્યભિચારીણિની સાથે સુખ માણવાનું નહીં,
પાપી લોકોનાં ઘરનું પગથીયું ચઢવાનું નહીં.
જેના મન મેલા તેમને ઘર કદી જમવાનું નહીં,
કોઈનું દુઃખ જોઈને હે માનવ હસવાનું નહીં.
કોઈને માઠું લાગે તેવું જરાય લખવાનું નહીં,
રાત ઉજાગરા કરી વ્યર્થ કદી જાગવાનું નહીં.
