મને ઈર્ષ્યા થાય છે
મને ઈર્ષ્યા થાય છે
ઊંચે ઉડતા પંખી જોઈ મને ઈર્ષ્યા થાય છે,
સંબંધોના વાડા વિના કેવું ઊંચે ઉડાય છે.
ના સરહદોની સીમા છે ના સ્નેહીઓની માયા,
ખુદના ભરોસે કેવું બેફિકર જીવાય છે.
ખુશ્બુથી મહેકતો બાગ જોઈ મને ઈર્ષ્યા થાય છે,
સ્વયંને મિટાવીને કેવું મહેંકી જવાય છે.
ના ખિલવાની ફિકર છે ના ખરવાની ચિંતા,
અસ્તિત્વને ઓગળી કેવું પ્રસરી જવાય છે.
ખળખળ વહેતી નદી જોઈ મને ઇર્ષ્યા થાય છે,
પડતી આખડતી કેવી આગળ વધતી જાય છે,
ક્યારેક પૂરમાં સપડાવે ક્યારેક દુષ્કાળમાં રડાવે,
તોયે એ પરોપકારી માતા કહેવાય છે.
રમતું બાળક જોઈ મને ઈર્ષ્યા થાય છે,
ના સ્વની ચિંતા છે ના સ્વમાનની ફિકર,
ભૂલ જો થાય આપણાથી તો સજા અપાય છે,
એને તો નાદાન ગણી માફ કરી દેવાય છે.