મીઠી છાંયડી માં
મીઠી છાંયડી માં
તું એક મીઠી છાયડી આ ધોમ ધખતા તાપમાં,
ઈશ્વર સમો અવતાર જાણે માત આપોઆપ માં,
તે જાત બાળી ખુદ તણી રોશન મને કરવા થકી,
આધાર મારો તું જ છે સંસારના સંતાપમાં.
તરછોડશે આખું જગત પણ તું મને ના છોડશે,
અવભાસનો ઉદ્દગાર છે તું હર થયેલા પાપમાં.
પીડા સહી તે આકરી પણ ના કદી બોલી કશું,
મમતા નિભાવી છે ઉઘાડા પગ તણી એ છાપમાં.
જે સાડલાની કોરથી આંસુ લૂછાણા આંખના,
શબ્દો બધા ઓછા પડે એ સાડલા ના માપમાં.
ખંડિત કદી થાશે ન એવો સ્નેહ તારો જગ મહી,
મળશે હરી આ માતમાં મળતો નથી જે જાપમાં.