મહાવીર માતૃગાથા
મહાવીર માતૃગાથા
જૂઈ જેવી દેવાનંદા ને
જાસવંતી જેવી ત્રિશલા
એક ચાંદપૂનમિયો ને
એક સૂરજ કસુંબિયો
એક જાણે ચંદા રાણી ને
એક જાણે ઉષારાણી
બે સખીઓ એવી જાણે
બે બહેનો એક મા જણી
એક શીલવાન લાવણ્યમયી
એક જાજરમાન સૌંદર્યમયી
એક સૂર્યોદયનો ઉલ્લાસ ને
બીજી સૂર્યાસ્તની ગરિમા
એક વસિષ્ઠ ગોત્રિયતો
બીજી જાલંધર ગોત્રિય
સહીયરોની પ્રીત એવી
જાણે પ્રીત જન્મોજન્મીય
તેજસ્વી આંખ જાણે
તલવારની છે ધાર !
એ છે શ્રેષ્ઠ ક્ષત્રિય
રાજા સિદ્ધાર્થની નાર
નમણું નાક ને ભોળી
પારેવા જેવી આર્યા
એ છે શ્રેષ્ઠ ક્ષત્રિય
રુષભદત્તની ભાર્યા
એક વસે મહેલાતમાં
રજપૂતવાસે પશ્ચિમે
બીજી વસે મહોલ્લામાં
બ્રાહ્મણવાડે દક્ષિણે
ઝૂલે રાણી ત્રિશલા
સુવર્ણ હીંડોળાખાટે
કરે ધર્મ દેવાનંદા
હસ્તિદંત બાજઠપાટે
વૈશાલી કુંડ ગ્રામની
આ બે મીઠી વીરડી
એકછે રસભરી ને
બીજીછે અમી ઝરી
એક છે સામ્રાજ્ઞી ને
બીજી છે ધર્માજ્ઞી
શ્રેષ્ઠત્વની હોડ છતાં
સહિયરો બંને સ્નેહભરી
ધનુર્વેદ ને શબ્દવેદ બંને
છે બંનેનાં ઉપાસ્ય
બ્રાહ્મણ ક્ષત્રિયો વચ્ચે
ગજગ્રાહને વેરઝેરની વર્ષા
શાસ્ત્રને શસ્ત્રનીહરિફાઈમાં
છલકે કટુતાનાં કટોરા
પણ દેખી સખીઓનાં હેત અપાર
સૌ મોંમાં આંગળી નાખે ચાર
દોડતી આવી દેવાનંદા
બોલી એક દિવસ
ઓ સખી!અષાઢીની રાતે
પેલો છઠનો ચંદ્ર
વાદળોની ઓથે મેં
રમતો રે દીઠો !
સાથે સુંદર અણમોલ
ચૌદ સ્વપ્ન દીઠાં !
સમજી ગઈ ત્રિશલારાણી
તેજ ક્ષણે મનમાં ને
ઝુલતા હીંચકાને એણે
દીધી કોમળ પાનીની ઠેસ
મારી હળવી થપાટ એણે
દેવીને ગાલે ને બોલી
સખી ! પૂછ્યું કે રહસ્ય?
તુજ આર્ય શિરોમણીને !
લજામણી થઈ લચી પડી !
બોલી શરમાઈને કાનમાં
હા! બોલ્યા કે તને ધર્મ
ચક્રવર્તી પુત્ર અવતરશે
જે તારી ને મારી પણ
ઈકોતેર પેઢીને તારશે !
સખી મારો જાયો તો
ધર્મને એક ચક્રે કરશે
વિપ્રો ક્ષત્રિયો સૌ મળી
એને દેશે સન્માન !
વેરીઓમાં પણ પ્રેમ ને
કરાવશે એ વહાલ!
અરસપરસનાં વેર હણશે ને
પૃથ્વીની પુણ્યલકક્ષ્મી વધારશે
ઓહો! બોલી ક્ષત્રિયાણી
જુગ જુગ જીવો તારો લાલ
અને ખૂબ ખૂબ શીખ દીધી
વ્હાલી સખીએ શું ખાવુંપીવું!
ખીલી દેવાનંદા ધીરેધીરે
જાણે કેશુડાનું ફૂલ !
બ્રહ્મલક્ષ્મી યશલક્ષ્મી ને
દ્રવ્યલક્ષ્મી ખેલે ગૃહે !
આર્ય લડાવે લાડ ને
ભૂલ્યા વેરઝેરનાં ભાવ
વિચાર્યું નામ - બુદ્ધિમાન !
થશે બૃહસ્પતિનોઅવતાર
સુખમાં સુખની હેલી થઈ
ત્રિશલાને થયા પુત્ર એંધાણ !
તારા મોંમાં સાકર કહેતા વરસી
રહી એકમેક પર બે વાદળી
અષાઢની હેલીને શ્રાવણનાં
સરવરીયા વરસી ગયા
ભોળો ભાદરવો તપ્યો ને
નંદાને વેળ અચાનક શમી ગઈ !
આંખનાં કાજળ ગાલે ઘસે ને
ગાલનું કંકુ આંખે આંજે !
કોક ડોશીમાએ કીધું કોઈ દેવને
કૂડૂં પડ્યું જરુરકંઈ અપ્રિય થયું !
દોડી વળી સમાચાર દેવા
મહેલે જ્યાં દેવાનંદા !
તો જોયું સર્વત્ર આનંદ મંગળ
રાજા દે છે સુવર્ણદાન !
પંડિતો કરે જયજયકાર
કેસરનાં બધે છંટકાવ
ચંદનનાં લીંપણ ને કંકુ
ઉડે ત્રિશલા તો રંગે રંગાય !
જોઈ સહેલી ભેટી પડી કહે
સખીનો વાદ સખી ન કરે ?
હું પણ રત્ન પ્રસુતા
આવ્યા મને ચૌદ શમણાં!
પાછલું પરોઢ ને ઝગમગ
જ્યોતિ! અને સમજી ગઈ
દેવીનંદા ! બોલી - રાણી જુગ
જુગ જીવો તારો લાલ !
હાથી તો હોય જે વનમાં પાકે ત્યાંજ!
એ બીજે ના હોય કદી
દેવ તો જન્મે વીરક્ષત્રિયને ત્યાં જ
ન દીનવિપ્રને ત્યાં કદી !
દેવોને થયું હશે આ તો !
પૃથ્વીપતિ !લાખોનો પાલનહાર!
ભૂદેવ થઈને તો દાન માંગશે
દૈવી અંશ તો શોભે દરબાર
હસી પડી દેવાનંદા બોલી
જરુર દેવોએ કર્યું ગર્ભહરણ
પણ રાખજો એનું વર્ધમાન નામ
એ છે તો મારી થાપણ !
વર્ધમાન તો વધે દિવસ ને રાત
બે માતાનાં હેત અપાર
દેવી કહેતી ફરે -મારો બાળ !
બેઉ વર્ણમાં પડે તકરાર
દેવાનંદા ઘેલી બની કરે
ભૃતા કોયલની જેમ ઉછેર
માન સરોવરની બે હંસીઓ
પુત્રને કરે લાડને પ્યાર
બાળક રુડો ને રુપાળો
વેરીઓમાં જન્માવે વ્હાલ
કેટલાકને એ લાગ્યો જાણે કાંટો
એટલે અઘોરીને સાધ્યો !
પણ વર્ધમાને કાળને જાણ્યો
વીરતાથી તેને નાથ્યો !
અઘોરી ચરણે પડ્યો
લોકોએ મહાવીર કહી વધાવ્યો
ગભરુ દેવાનંદા દોડી
સમજી સાનમાં ને બોલી
હા ! એ તો છે ત્રિશલાનો જાયો
હું જ ભૂલી સાન ને ભાન
પ્રેમનાં પ્રદર્શન કર્યા બંધ
ને મન પર રાખી લગામ
મહાવીર કહે મા મા ! તો
સંયમી થઈ આડું જોઈ જાય
માતૃવ્યથા પુત્ર સમજે
કરે દોડીને પણ વહાલ
વર્ધમાન શીખે વેદપુરાણ
જુએ દિવ્ય સંપત્તિનાં સ્વપ્ન
ના એને ઐહિક સંપત્તિનું જ્ઞાન
એણે કર્યું સર્વસ્વનું દાન
માતાપિતાની દિવાલ ખસી
ભાઈ નંદવર્ધનનો થયો અભિષેક
પુત્રી પ્રિયદર્શનાનાં કીધા લગ્ન
પત્ની યશોદાનો કર્યો ત્યાગ
મહાવીરે લીધો દિક્ષા માર્ગ
આત્મજ્ઞએ કર્યું મહાભિનિષ્ક્રમણ
ભીષણ હતો એ જંગ કર્યો
અન્નત્યાગ ને અઘોર તપ!
નિર્જનવન ને ભેંકાર સ્મશાન
વાયા વર્ષોનાં વ્હાણા
બાર વર્ષ થયું કેવળ જ્ઞાન !
તૂટ્યા સંસારનાં બંધન
વળ્યા પાવનકારી પગલાં પાછા
વિદેહની એ ભૂમિ પર
સત્યદ્રષ્ટા આર્ષદ્રષ્ટા મહાવીર
અગિયાર શિષ્ય સહ પધાર્યા
સાથે ઈન્દ્રભૂતિ ગૌતમ અને
સહસ્ત્રવિધ શિષ્યમંડળ આવ્યા
દોડ્યા નગરજનો રાજારાણી!
રુષભદત્ત ને દેવાનંદા
નીરખીને ભગવાન દર્શનઘેલી !
દેવીને ઉરે વહે દૂધની ધારા !
ફૂલ વિના પણ ફોરે કેવડો
ફૂલ વિનાની આ નાગરવેલ !
સ્નેહસુવાસે ફોરી ઉઠી મુખે તો
વર્ધમાન વર્ધમાન !મારો બાળ !
માનવમન થયા મુગ્ધ
એ અજબ ઘડી ને દિવ્ય પળ !
હૈયે સૌને મઘમઘી રહી
એ અજબની સૌરભ !
પૂછે ગૌતમમુનિ પ્રભુને
વિધિનું આ અગાઢ રહસ્ય !
શીદને આપ છો ક્ષત્રિય સંતાન
ને માતા આપની બ્રાહ્મણ આર્યા!
મહાવીર કહેહૈયે જેને સ્નેહની
ધારા એ જ છે મારી માતા
મૂંગી મૂંગી ઊભી છે ત્યાં મુજ
અંગ અંગની પૂછી રહી શાતા
લોકોક્તિ થઈ છે ત્યાં કે
એ તો દેવરાજે કૌતક કર્યું
સખીઓનાં ગર્ભ ફેરવ્યા
બ્રાહ્મણકુળને નીચું કર્યું
નિરખે માતા નિજ પુત્રને ને
કરે અંતર અમીચક્ષુથી અભિષેક
કૈવલ્ય જ્યોતિથી ઝળહળિત
મહાવીર બોલ્યા મિષ્ટ સ્વરે
દેવાનંદા ! સમભાવકર
તૃપ્તિ કરતાં ત્યાગ મહાન
સંસાર કરતાં સ્નેહ મહાન
કુળ નહિ પણ કર્મ મહાન !
શરણે આવી મમતામયી કહે કે
સંસાર હવે ઈન્દ્રવરણાંનાં ફળ
પુત્ર ઉપદેશે તરી ગઈ !
માતા દેવાનંદા ભવસાગર
આપ્યો માતાપિતાને દેવલોકને
નંદાદત્તને નિર્વાણ અક્ષરદીપ
ત્યાગ ભર્યા સ્નેહની છે આ માતૃગાથા !
જે કરે છે ખુલ્લા મોક્ષનાં દ્વાર
