મારું દફ્તર અને પપ્પાનું દફતર
મારું દફ્તર અને પપ્પાનું દફતર
(એક શાલિન વિદ્યાર્થી જ્યારે પોતાનાં સ્કુલના દફતરની સરખામણી એના પપ્પાના દફતર (ઓફીસ બેગ) સાથે કરે છે,એનું વર્ણન કરતી એક કવિતા)
મારી પાસે નવું દફતર છે,
એ તો દર વર્ષે બદલાય છે,
પપ્પા પાસે જુનું દફતર છે,
એ ક્યારેક જ બદલાય છે,
મારું દફતર રંગબેરંગી છે,
પપ્પાનું દફતર કાળું સાદું છે,
મારા દફ્તરમાં ખજાનો છે,
પપ્પાના દફતરમાં કંઈ જાદું છે,
મારા દફતરમાં નોટબુક, ચોપડીઓ
અને કંપાસ અને અન્ય સ્ટેશનરીઝ દેખાયા,
પપ્પાના દફતરમાં ફાઈલ્સ કાગળીયા,
ફોલ્ડર, કેલક્યુલેટર લેપટોપ,વિ. દેખાયા,
રજાનો દિવસ હતો એટલે ટિફીન
મારા દફતરમાં પણ નહોતું,
પપ્પાના દફતરમાં પણ નહોતું,
પણ આઈ-કાર્ડ બન્નેના દફ્તરમાં હતા,
મારા દફતરમાં નજર કરી તો
જીની જેવા જાદુઈ પાત્રોનાં
નામની સ્ટેશનરી જાણે નામમાત્ર છે,
પપ્પાના દફતરમાંથી તો પોકેટ-મની
અને સવારે માંગું એ સાંજે મળે છે,
એ દફતર જાણે એક અક્ષયપાત્ર છે,
જ્યારે એકબીજાના દફતરના
વજનને મેં સરખાવી જોયા,
એક પછી એક બન્ને દફતરને
મારા ખભે ભરાવી જોયા,
આમ જોવા જઈએ તો,
મારું દફ્તર વધુ વજનદાર લાગ્યું,
પણ પપ્પાના જાદુઈ દફતરમાં
જવાબદારીઓનો વધુ ભાર લાગ્યો,
ખરેખર પપ્પાના દફતરમાં જાણે
કોઈક જાદુઈ વસ્તુ છે,
એથી જ પપ્પાનું દફતર કિંમતી છે
'ને મારું દફતર સાવ સસ્તુ છે...
મારુ દફતર સાવ સસ્તુ છે .(૨)
