મારે એવા તે ઝાડ બની ઉગવું
મારે એવા તે ઝાડ બની ઉગવું


ઓછું ઓછું ન વવાય, તોયે ઝાઝું ન છવાય ,
બારે ખોટું ન બોલાય, સાચા એમજ સમજી જાય ,
મારે એવા તે ઝાડ બની ઉગવું
મારે એવી તે ડાળ બની ઝૂકવું
કાળા હો કે ધોળા તોયે માથા સઘળા સરખા,
ભેજામાં તો ચક્કર ચક્કર, કાળા ધોળા ચરખા,
આખા જગમાં તું છવાય , તોયે ઘેલુ ન થવાય ,
મનમાં મોટું તો થવાય તોયે નાનું ન ભૂલાય ,
મારે એવા તે ઝાડ બની ઉગવું
મારે એવી તે ડાળ બની ઝૂકવું
તાળી પાડે, ફોટા પાડે, એવામાં ભરમાતો ,
સારું થાવા માટે તું ગીત ગામનાં ગાતો,
મોટી વાતો ભલે થાય, તોયે ખુદથી ન છલકાય,
પકડા પકડી ન સમજાય ,એથી આગળ ન થવાય,
મારે એવા તે ઝાડ બની ઉગવું
મારે એવી તે ડાળ બની ઝૂકવું
નરસિંહ થઇને ગુણીજનોમાં ગીતો ગા, તો જાણું,
ઝીણું મોતી ધાગે ધાગે પ્રોવિ દે, તો જાણું,
સાલ્લુ સાંબેલૂં છે ભારે , તોયે કાનો ન થવાય,
ઘેલી ગોપી લાગે સઘળી તોયે રાધા ન થવાય ,
મારે એવા તે ઝાડ બની ઉગવું
મારે એવી તે ડાળ બની ઝૂકવું