મારા વ્હાલા
મારા વ્હાલા
પરભવનું ભાથું જીવ પછીથી બાંધજે,
આ ભવની બેડી ઢીલી મેલ મારા વ્હાલા.
માયાની પોટલીને કેડે કાં બાંધી છે,
બરડોના ભાંગે આઘી મેલ મારા વ્હાલા.
પગ જાય ભટકી આ મોહની કેડીએ,
વ્હેંત છેટી રાખવી ભલી મારા વ્હાલા.
રાગને ઓશિકે પોઢ્યો જો આજે,
આયખું આખું ન જાગે મારા વ્હાલા.
દ્વેષનો ટોપલો તો છે બહુ ભારે,
માથું ભમે હેઠો મેલ મારા વ્હાલા.
ચઢવું સહેલું અહંકારની સીડીએ,
કાંટાળો તાજ ના પહેર મારા વ્હાલા.
કપટને યશનું મૃગજળ જીવ માનજે,
વિષનો પ્યાલો ન કદી પીશ મારા વ્હાલા.
પાઠ ભણાવવામાં વેરની વેલ વિકસે,
વેલના એ ઘુમરાવથી બચ મારા વ્હાલા.
અન્યનો દંડાધીશ થઈને શું ફળશે,
અવગુણને છેદતો ગુણ ઉભાર મારા વ્હાલા.
દાન 'ને પુણ્યના કૈં મારગ દેખાશે,
મનથી ક્ષમાના દાન શ્રેષ્ઠ મારા વ્હાલા.