મારા પપ્પા
મારા પપ્પા
કોણે ફેલાવી અફવા આ સાંજને ઢળતી કે'વાની,
વાત તો છે આ મારા પપ્પાનાં ઘરે આવવાની,
દિ' આમ જલ્દી વહ્યો જાય એ વાત મઝાની,
રાતે તો આમ તારલાંઓ નીચે વાર્તાઓ સાંભળવાની,
મમ્મી સામે ધડ દઈને 'પપ્પાને કહી દઈશ,' એવું બોલવાની,
મારી પડખે હરહંમેશ રહે, એમની આદત નહીં દેખાડો કરવાની,
ચૂપ હોય, હસતાં હોય, આદત એવી મનમાં કાંઈ ને કાંઈ વિચારવાની,
આંખ ન આંસુ કોઈ દિ', એમને એમ કે મને ક્યાં ખબર પડવાની ?
જિંદગીનો માર એકલાં હાથે સહી લે, મારી ફરજ એમને હેતનું મલમ લગાડવાની,
'હું છું ને,' એટલું કહી, માથે હાથ ફેરવે, વાત જરા એમની ભાવનાઓ સમજવાની,
કળા છે, વગર ડિગ્રીએ આખુંય જીવન ઈમાનદારીનાં બખ્તર સાથે સફળતા મેળવવાની,
સિદ્ધાંતો સાથે જીવી, કોઈનેય દુઃખી ન કરી, પોતાની ફરજ નિષ્ઠા સાથે નિભાવવાની,
પોતાના બાળકોને સફળ જોઈ, એમના વખાણ સાંભળી, હર્ષનાં આંસુ સરવાની,
ઉંમર સામે ક્યારેય ન જોઈ, રાત-દિવસ બસ પરિવારને સુખ આપી પોષવાની,
કેટ-કેટલાં બલિદાન સાથે જીવી, પોતાના જીવન-સંઘર્ષને ક્યારેય ન ગાવવાની,
કઠણ હૃદયે જીવતાં 'પિતા', દીકરીને સાસરે જતી જોઈ હૈયાફાટ રૂદન કરવાની,
દીકરાનાં ભવિષ્યની ચિંતામાં ગમે તેવી તકલીફો સહી એનાં સપના પૂરાં કરવાની,
બસ, પપ્પા,બહુ કર્યું છે તમે તમારા પરિવારને અડીખમ ઊભું રાખવાં,
હવે, તમારે અમારા માથે હાથ મૂકી, આશીર્વાદની વર્ષા કરવાની,
તમારે હવે ક્યાં જરૂર છે અમારી ચિંતા કરવાની ?
પણ હા, અમારા જીવનનું એકમાત્ર લક્ષ્ય કે,
અમારા પપ્પાનાં નિખાલસ સ્મિતને સદાય ખીલતું રાખવાની.
