લોકડાઉન !- એક શિક્ષક વેદના
લોકડાઉન !- એક શિક્ષક વેદના


ઝુકાવી શીશ સર્જનહાર આગળ,
આજે સવારે હું બેઠી નિશાળ.
જોઉં છું રાહ, બન્યાં નયનો અધીર,
બન્યો વ્યાકુળ શિક્ષક થઈ ફકીર.
શોધે છે ચક્ષુ નિશાળનાં ફૂલોને,
બની શબરી માફક શોધે શ્રીરામને.
ખાલી છે એ સુના હિંચકાનો ભણકાર,
ઢંઢોળે મુજ એકલ હૈંયાનો ઝણકાર.
શોધે છે પાટલી-ટેબલ-લાદી તુજને,
હરક્ષણ જીવંત રાખતા વાતાવરણને.
ડરાવે છે એ નિરવ શૂન્યતા વર્ગખંડમાં,
મચાવનાર કોલાહાલ છુપાયા ઘરખંડમાં.
અકળાયા છે એ તો પક્કડદાવ રમવાને,
પજવનાર નહીં કોઈ આજ ચોક-ડસ્ટરને.
ગયા છે મુરઝાઈ અહીં બાગ-બગીચા,
થયાં પ્યાસા સાંભળવા બાલુડાની વાચા.
કરું છું ફરિયાદ ફરી-ફરીને ઈશ આગળ,
આવશે ક્યારે ફરી એ લશ્કર વિશાળ?
ઝુકાવી શીશ સર્જનહાર આગળ,
આજે સવારે હું બેઠી નિશાળ.