લઈને આવ્યો છું
લઈને આવ્યો છું
ભલેને સાવ ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું,
હું છેલ્લા શ્વાસ સુધીની જવાની લઈને આવ્યો છું,
નથી એવું કે કાગળ પર કહાની લઈને આવ્યો છું,
ગઝલ માધ્યમ છે જેનું, પ્રેમ-બાની લઈને આવ્યો છું,
કસુંબલ આંખ જ્યાં જોઈ તમારી, ને હું લથડ્યો છું,
જનમથી ક્યાં કોઈ આદત નશાની લઈને આવ્યો છું,
મરીઝે પણ કબુલ્યું કે પ્રણયમાં તો કળા જોઈએ,
હું તાલીમ પ્રેમની બધ્ધી કળાની લઈને આવ્યો છું,
જીવન ઉપવનની તમને હોય ચિંતા વ્યાજબી છે, પણ
જતન એનું જ કરવા બાગબાની લઈને આવ્યો છું,
કોઈ ચોમાસુ નબળું હોય, તો ચિંતા નહિ કરતા,
વરસ આ લાગણીનું સોળઆની લઈને આવ્યો છું.