લગ્નદિવસ લાગે વહાલો
લગ્નદિવસ લાગે વહાલો
છલકે તારા અંગેઅંગમાં શૃંગારરૂપી પ્યાલો,
અનેરા ઉત્સાહથી લગ્નદિવસ લાગે વહાલો,
ફેરવ્યું મારા જીવનને પાનખરથી વસંતમાં,
તારા આગમનથી લગ્નદિવસ લાગે વહાલો,
આપ્યો સદા સાચો પ્રેમ સંપૂર્ણ વફાદારીથી,
સ્નિગ્ધ લાગણીથી લગ્નદિવસ લાગે વહાલો,
બંધાયા બેઉ ભવોભવનાં અતૂટ પ્રેમબંધને,
સત્ય વચન પાલને લગ્નદિવસ લાગે વહાલો,
સુખદુઃખનાં દ્વંદ્વ થકી આગળ વધ્યાં સંસારે,
હસ્તમેળાપની યાદે લગ્નદિવસ લાગે વહાલો,
શરીર જુદાં છતાંય આત્મા બેઉનો એક છે,
આવા તાદાત્મ્યથી લગ્નદિવસ લાગે વહાલો,
હર હંમેશ મારી રાહમાં ઊભી ખુલ્લાં દ્વારે,
તારી રાહ જોવાથી લગ્નદિવસ લાગે વહાલો.

