લાગણી
લાગણી


વહે જ્યાં લાગણીના પૂર દિલનું દાન આપ્યું છે,
કરે પરવાહ એનું નામ મેં ભગવાન આપ્યું છે,
નજરથી દૂર છે જોજન દુઆમાં રોજ બોલાવી,
હૃદયનાં એક ખૂણે કાયમી મેં સ્થાન આપ્યું છે,
નથી લૈલા નથી શીરી છતાંય નામ ઈતિહાસે,
ઈશારે એમના દોડું તરત સન્માન આપ્યું છે,
કલમ ને કાગળે કેવો નિભાવ્યો સાથ મારો જો,
વિચારો સ્ફૂરવા માંડે મને તે જ્ઞાન આપ્યું છે,
ના હિન્દુ છું, ના મુસલમાન માનવ દેહધારી છું,
અમે શ્રાવણનું બીજું નામ પણ રમજાન આપ્યું છે,
ના અટકે કોઈપણ કાળે અવિરત ચાલશે એ તો,
મને આ શબ્દબ્રહ્મે એવું તો વરદાન આપ્યું છે,
નમું છું રોજ હું તો પ્રાર્થનામાં આપની ખાતર,
તમારા પ્રેમને મે મૌન રહી આહ્વાન આપ્યું છે.