ક્યાં કોઈ પાછા આવે છે !
ક્યાં કોઈ પાછા આવે છે !
છે ગળાડૂબ સુખે ત્યાં કે અહીં ક્યાં કોઈ પાછા આવે છે,
જવાનું ભલે ગમતું નથી પણ, ક્યાં કોઈ પાછા આવે છે !
જો જવું જ પડે તો ફકત સ્વર્ગમાં જ મહાલવું છે સૌને,
જહન્નમ તો જીવ તે જીવ અહીં બનાવી બેઠા છે બધા.
મિલકતો,મહાલયો કે નાણા ની તિજોરીઓ ભરી શકવા,
દોડ્યા જ કર્યું, શીદ પલાઠી વળશે હવે જન્નતની ગાદીએ.
મારું માનો જો થઈ શકે તો નર્કની બારીએ લાંચ આપો,
ફાવી જશે ત્યાં જીવવાનું, છે રીત ત્યાં બધી અહીં જેવી.
ને, ત્યાં એ સ્વર્ગની સારપ હવે કોઠે નહિ પડે આ બંદાને,
કપટ ને કંકાસની મદિરા ની હવે આદત જે પડી છે એવી !
હા, કોઈ વળી સ્વર્ગ ના સંકેત દેખાડી જાય ધરા પર પણ
,
રણમાં મીઠી વીરડી ઓ ઘણી જૂજ મળે છે આજકાલ !
સ્વર્ગ તો અહીં જ બનાવીશ એવું જ કાંઈક એ જણાવે છે,
મનુષ્ય કેવો અકળ ! રચી નર્ક પછી તેને જ સ્વર્ગ જતાવે છે.
ધબકે છે હજુ એ કેટલાક હૃદયોમાં સારપ બનીને એવું જ,
જેમ દરિયાની ખારાશ મધ્યે ચમકતા હરિત ટાપુઓ જેવું !
એ સ્વર્ગ જ છે અંતરો માંહી છતાં શોધતો રહે છે જગતે,
અંતે પણ ઈચ્છતો કે પામશે એ જ સુખ જઈ અન્ય લોકે !
જાય છે એવી જ એષણા લઈ આ જગ માંહીથી મમતે,
ક્યાં છે કોઈ વાવડ કે, છે કેવો મજામાં જીવડો એ જગતે !
છે ગળાડૂબ સુખે ત્યાં કે અહીં ક્યાં કોઈ પાછા આવે છે,
જવાનું ભલે ગમતું નથી પણ, ક્યાં કોઈ પાછા આવે છે !