કુદરતને હું માણી લઉં
કુદરતને હું માણી લઉં
મળ્યું છે મનખા જીવન તો,
કુદરતને માણી લઉં,
કેસરી પીળા વસ્ત્રો પહેરીને ભમતાં સૂરજના,
કુમળા કિરણોને જરા સ્પર્શી લઉં,
આ શીતળ હવાની લહેરખીને,
મારી સાંસોમાં સમાવી લઉં,
આ ઉઘડતી ઉષા અને આથમતી સંધ્યાના રંગોથી,
મારા જીવનને સપ્તરંગી બનાવી લઉં
મળ્યું છે મનખા જીવન.....
આ કુદરતનાં પ્રેમ પત્રો જેવા ફૂલોને મળી લઉં,
થોડી ક્ષણો જીવીને પણ બીજાના અંતરમાં છવાઈ જવાનું એની પાસેથી શીખી લઉં,
મળ્યું છે મનખા જીવન ....
સોહામણી સાંજે ઉછળતા દરીયાના મોજા ઓને માણો લઉં,
હોય દર્દ ભલે હૈયે લાખો તોય,
હસતા રહેવાનું એની પાસેથી શીખી લઉં,
મળ્યું છે મનખા જીવન....
આ વરસતા વરસાદે મોસમની મજા માણી લઉં,
આંસુઓના અભિષેકથી કોઈના જીવનમાં હરિયાળી લાવવાનું,
એના પાસેથી શીખી લઉં,
મળ્યું છે મનખા જીવન....
એક સાંજે કુદરતનાં સાનિધ્યમાં,
હું મારી જાતને મળી લઉં,
મારામાં રહેલા ઈશ્વરના અંશને હું જાણી લઉં,
ઈશ્વરમાં એકાકાર થવાની મજા હું માણી લઉં,
મળ્યું છે મનખા જીવન તો.
