કુદરત સાથે ચેડાં
કુદરત સાથે ચેડાં
અમથા સૌ આ જીવોને તારે હણવાના નહીં,
કુદરત સાથે તારે જોને ચેડાં કરવાનાં નહીં.
ચીં ચીં કરતી ચકલી આવે, દાણા નાંખે તું,
ચકલી ઘરથી માળો લાવી બાંધી આપે તું,
પણ ચકલીને સેવ ગાંઠિયા આપવાના નહીં,
કુદરત સાથે તારે જોને ચેડાં કરવાનાં નહીં.
પાડા-પાડીને નોખા જાણી ચારો નાંખે તું,
આવા નોખા સંતાનોને રાખી જાણે છે તું ?
ગૌમાતાને નામે ખોટો ફાળો કરવાનો નહીં,
કુદરત સાથે તારે જોને ચેડાં કરવાનાં નહીં.
આ પૃથ્વી તો ઘર છે સૌનું ખોટા ડરશો નહીં,
આપે છે વન એના હૈયામાં કચરો ભરશો નહીં,
પ્લાસ્ટિકની થેલીથી તારે ઘર ભરવાનાં નહીં.
કુદરત સાથે તારે જોને ચેડાં કરવાનાં નહીં.
વૃક્ષો વાવી વરસાદ લાવો, એવું તું બહુ બોલે,
ને પાછું ગાડી ધોવામાં, અઢળક પાણી ઢોળે,
જંગલના ભોગે તારે આ ગઢ ચણવાના નહીં,
કુદરત સાથે તારે જોને ચેડાં કરવાનાં નહીં.
કુદરત છે માનવનો આધાર એ જાણે છે તું,
તો પણ એનો ઝાઝો ઉપકાર ક્યાં માને છે તું,
માનવ તારા વિજ્ઞાનના ગાડા ભરવાનાં નહીં,
કુદરત સાથે તારે જોને ચેડાં કરવાનાં નહીં.