કર્મ
કર્મ
સ્વર્ગ નરકની વાતો ના કરશો, બધું જ ધરતી પર છે,
કર્યા કર્મનું ફળ અહીં જ મળશે, આ વાત હકીકત છે.
છો ને પૂજ્યા દેવ દેવીને, વ્રત પાઠ કરીને રીઝવ્યા,
ફર્યા હશે ચાર ધામના ફેરા, રામ નામ જાપ ભલે કર્યાં,
અંતર હશે જો મેલું, તો ભક્તિભાવ આ વ્યર્થ છે,
હૈયું હોય જો દરિયા જેવું, તો પૂજા પાઠનો અર્થ છે.
મન, કર્મ ને વચનથી જેણે, દુખીયાને કરી સહાય,
બેડો પાર છે સમજી લેજો, સ્વર્ગ સાચું આ ગણાય.
કરી મદદ કદી વિફળ ના જાશે, ચોપડામાં બધું નોંધાય છે,
તું ભલે ને ભૂલી જા, તારા કર્મોનો હિસાબ થાય છે.
