કારણ
કારણ
જિંદગીમાં આકર્ષણ છે અભાવને કારણ,
પ્રેમ છે હૃદયમાં તો એ સ્વભાવને કારણ,
સત્ય તો બધા જાણે છે સદાય ભીતરમાં,
ચૂપ હોય છે સૌ કોઈ દબાવને કારણ,
વાત માનશો ભીતરની તો છે સરળ જીવન,
મૂંઝવણ ફક્ત છે જગના સુઝાવને કારણ,
ઝેર પણ દવા છે, લેવાય જો એ માત્રામાં,
વિષ છે અમી પણ અતિશય લગાવને કારણ,
શબ્દથી કદી શણગારી નથી ગઝલને મેં,
એ લખાય છે ઊર્મિના જમાવને કારણ,
જ્યાં પસંદગી છે ત્યાં સત્ય પણ નથી હોતું,
આ તનાવ છે જીવનમાં ચુનાવને કારણ,
જન્મ ને મરણ બંને એક હોય છે ઘટના,
લાગે છે અલગ જીવતરના પડાવને કારણ,
એટલે ખજાનો મળતો નથી કદી ખુદનો,
સૌ જીવે છે પણ બીજાનાં પ્રભાવને કારણ,
બંદગી કદી શબ્દોથી થતી નથી કોઈ,
જો ખ઼ુદા ય મળશે તો ફક્ત ભાવને કારણ.

