જિંદગી જીવાઈ જશે
જિંદગી જીવાઈ જશે
ચિરાઈ જશે તો હૃદયના તારથી સિવાઈ જશે,
આત્મબળના જોરે જિંદગી જીવાઈ જશે.
ચંદન ઓરસિયા પર ઘસાઈને મહેકી જશે,
અગરબત્તીની સુગંધ સાથે ભળીને જિંદગી જીવાઈ જશે.
ઈચ્છાઓની દીવાલો એક પછી એક ચણાતી જશે,
ઉંબરાઓ ઓળંગતા ઓળંગતા જિંદગી જીવાઈ જશે.
વિષાદ વચ્ચે પણ સ્મિત વિસ્તરતું જશે,
ખુલ્લા રાખી મનના દ્વાર જિંદગી જીવાઈ જશે.
દીવામાંનું દિવેલ વાટ દ્વારા બળતું રહેશે,
પ્રકાશ ફેલાવતા ફેલાવતા જિંદગી જીવાઈ જશે.
