જિંદગી એક સ્ટેજ છે
જિંદગી એક સ્ટેજ છે
જિંદગી એક સ્ટેજ છે મળેલો રોલ ભજવી લઈએ,
અંતમાં સૌની વાહ વાહ આપણે મેળવી લઈએ,
જિંદગીના સ્ટેજ પર કોઈ કલાકાર નબળો નથી,
હિંમતથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી દઈએ,
વિચારો છે આપણા સૌના જળ જેવા પવિત્ર,
પવિત્ર વિચારો થકી ગંગાજળ બનાવી લઈએ,
સૂરજ ન બની શકીએ તો અફસોસ નથી,
કોઈની રાહમાં દીપક બની ઉજાસ ફેલાવી દઈએ,
તૂટી જાય જો સંબંધોના મોતીની માળા તો,
શ્રદ્ધાની સોયથી આ પ્રેમની માળા પરોવી લઈએ,
ખુદમાં આત્મવિશ્વાસ અને હિંમત રાખીએ,
ઈશ્વર પ્રત્યેની આસ્થાનો દીપ જલાવી લઈએ.
