મીણ માટીનો માનવી
મીણ માટીનો માનવી
હૈયે હામ, પાંખો પસારે, ઊંચે ઊંચે ઉડાન ભરે,
આથમણે ક્ષિતિજ પાર, ઊડવા મથતો માનવી.
એક એક પગલું મૂકતો, સાચવીને એ ઉપવનમાં,
કોમળ સમજીને, કંટકો પર જ ચાલતો માનવી.
ધરાર ભટકતો ફરે છે, જીવનની ભવાટવીમાં,
આબાદ છતાં, બરબાદ થઇને જ જીવતો માનવી.
જીવંત છે, તો પણ પસંદગીથી કયાં જીવે જ છે,
ભવોભવનો કારાવાસ, જાતે જ ભોગવતો માનવી.
સુખ-સત્તાના મૃગજળ પાછળ, આંધળી દોટ મુકે,
રોજે રોજ ઉગ્યા વિના જ, આથમી જતો માનવી.
જીવનમાં સરળ, સહજ અને સુગમ છે કેટલુંય,
છોડી એને, પૈસા પાછળ આંધળુકિયા કરતો માનવી.
ડુમા ડુંસકાઓની સાથે શ્વસતો, જીવતો, વિરમતો,
હરતો-ફરતો જાણે *મીણ માટીનો માનવી.
