હું
હું
હું એક સ્ત્રી છું,
એક સાધારણ સ્ત્રી
પણ ખુશ છું મારા
સાધારણ હોવા પર
હું સીતા નથી
જેને પોતાની પવિત્રતા
સાબિત કરવી પડે
ને એ પછી પણ કોઇના
કહેવા પર કોઇ મને છોડી દે
અરે....એવા નબળા મનના
વ્યક્તિને તો હું જ કબુલ ન કરું.
નથી હું મીરા
જે ઇશ્વરના પ્રેમ ખાતર
ઘરસંસાર છોડીને
કુળ પરિવારને ત્યાગીને
ઇશ્વરમાં સમાઇ જાઉં.
દ્રૌપદી પણ નહીં
જેને માત્ર આજ્ઞાપાલન અર્થે
બહુપતિત્વના માર્ગે ચાલવું પડે
અને પાંચ પતિ, પરિવારજનો સમક્ષ
લાજ લૂંટાવાન
ી વેદના સહન કરવી પડે.
હું પતિવ્રતા હોઈ શકું
પણ ગાંધારી નહીં
જે અંધ પતિની આંખો બનવાને
બદલે ખુદ અંધાપો વેઠી લે.
હું તો એ સાધારણ સ્ત્રી છું
જે આવા કોઈ સ્વરુપને સ્વીકારતી નથી
પણ જીવનની વાસ્તવિક કસોટીની
એરણ પર ટીપાઇને
મજબુત બની છે.
જે બીજાની ઇજ્જત કરે છે
તો પોતાની ઇજ્જત કરાવવાનું
પણ જાણે છે.
માન આપે છે , પામે પણ છે.
રજ નિભાવે છે
પણ
કર્તવ્યના નામ પર બલિદાન આપવું
જેને મંજૂર નથી.
હા... હું સ્ત્રી છું
એક સાધારણ સ્ત્રી.