હું શું છું?
હું શું છું?


હું નદીનો શાંત પ્રવાહ છું કે
ઉકળતો ચરુ છું.
હું એરિસ્ટોટલનું 'સામાજિક પ્રાણી' છું,
કે પછી જંગલી ભૂખ્યું વરું છું.
હું સાવ નિર્ભય છું કે
જ્યોત જેમ થરથરું છું.
હું રોંગ યાનિ કે ચોકડી(×) કે
રાઈટ એટલે કે ખરું છું.
હું અંત છું કે
શરૂ છું.
સળગતું લાકડું છું કે તરું છું.
હું નપુસંક બીજ છું કે
ઘરું છું.
હું હર દર્દની દવા છું કે
ગુમડાંનું પરું છું.
બીજાને ન પૂછી શકાય એવો
આ પ્રશ્ન
કાયમ હું મને કરું છું.
કમનસીબે મારી પાસે ગાઈડ નથી.