હજાર રંગો ભર્યા છે
હજાર રંગો ભર્યા છે
બહારથી રંગ વિહીન મારી આંખો,
કાળા અને સફેદમાં સીમિત નથી,
થોડું ધ્યાનથી જોશો તો
ખ્યાલ આવશે કેટલા હજાર રંગો ભર્યા છે તેમાં.
શરૂઆતમાં શબ્દવિહીન મારી વાચા,
માત્ર "હા અને ના"માં સીમિત નથી,
થોડું પ્રેમથી પૂછશો તો,
ખ્યાલ આવશે કેટલા અનોખાં કાવ્યો ભર્યા છે તેમાં.
જાણે શ્રવણશક્તિ વિહીન મારા કાન,
સૂકા, સસ્તા સંવાદમાં સીમિત નથી,
સાચું અભિવ્યક્ત કરશો તો,
ખ્યાલ આવશે કેટલાં લોકનાં રહસ્યો અકબંધ છે તેમાં.
બહારથી શુષ્કતાયુક્ત મારો સ્પર્શ,
ફક્ત હાથ મિલાવવા સુધી સીમિત નથી,
સાચા હદયથી અનુભવશો તો,
ખ્યાલ આવશે કેટલી ધબકતી સંવેદના ભરી છે તેમાં.
સુગંધથી અજાણ લાગતું આ નાક,
ફક્ત અત્તર સુંઘવા સુધી સીમિત નથી,
થોડા પાસે આવશો તો,
ખ્યાલ આવશે કેટલી સુવાસનાં દરિયા ભર્યા છે તેમાં.
