હે મેઘા તું માની જા
હે મેઘા તું માની જા
હે મેઘા તું માની જા,
મન મૂકીને વરસી જા,
મનથી ભીંજાવું મારે,
તનથી ભીંજાવું મારે,
આ વિધાતાના લિબાસમાં છે ધરતી તારી,
નવોઢાનો શૃંગાર એને અર્પિત કરી જા,
હે મેઘા તું માની જા,
ચાતક બન્યો છે હર આદમી,
મીટ માંડી છે અંબર ભણી,
નયનમાં પ્યાસ છે,
તારા આવવાની આશ છે,
હે મેઘા તું માની જા,
મયુરનું કથ્થક નૃત્ય જોવું મારે,
સોન વરણી સીમ જોવી મારે,
ખેતીમાં લહેરાતા મોતીઓ જોવા મારે,
હે મેઘા તું માની જા,
હું કઈ કાલિદાસ નથી કે,
શબ્દોની શૃંગારિક ભાષાથી રીઝવું તને,
હું કઈ સંગીત સમ્રાટ તાનસેન નથી કે,
રાગ મલ્હાર ગાઈ ને મનાવી શકું તને,
પણ તું ના આવીશ તો
આમ આદમીનું શું ?
ભૂલકાઓની હોડીનું શું ?
હે મેઘા તું માની જા,
મન મૂકીને વરસી જા,
હે કાલિદાસના દૂત,
મારો સંદેશો આપી દે મારા દોસ્તને,
શ્રાવણ વરસે ઝરમર ઝરમર,
પણ મારી આંખો વરસે અનરાધાર
તારી યાદમાં,
હે મેઘા તું માની જા,
મન મૂકીને વરસી જા,
તનથી ભીંજાવું મારે,
મનથી ભીંજાવું મારે.
