ગુરુની ગડમથલ
ગુરુની ગડમથલ


આ લોક પણ પૂરો જોયો જે ગુરુએ નથી
પરલોકની વાત સમજાવે છે પ્રવચનથી,
ઉપદેશ કરશે એટલા ભરપૂર વિશ્વાસથી
જાણે પરલોક પણ ચાલે એના શ્વાસથી,
શિષ્યોને કહેશે છોડો તમે બધી આ માયા
ને પછી અમે બનાવીએ અલમસ્ત કાયા,
સંસારની મોહ માયાને માને છે એ વીખ
ચેલાઓ માયા છોડવાની આપશે શીખ,
હારી થાકી છોડયો હતો હર્યોભર્યો સંસાર
સંસારીને શીખવશે એ કેમ રાંધવો કંસાર,
સુણીને વાત જો ગુણીજન સંસાર છોડે
ગુરુજનો વિના પ્રસાદ ભૂખ્યા દમ તોડે,
શૈક્ષણિક યોગ્યતા જરુરી કારકુન ભરતી
જટા દાઢી વસ્ત્ર જોઈ ગુરુમાં નજર ઠરતી,
ગ્રંથ ઉકેલ્યા સ્વ લાભાર્થે કરી ગડમથલ
મચાવી છે એવા ગુરુઓએ ઉથલપાથલ,
ના સંસાર માયા, એ તો ગુરુએ ઊભી કરી
ધન સંપત્તિ ગુરુ શિષ્ય બંને માટે છે જરૂરી,
વિજ્ઞાન અને તર્કથી ચકાસો સર્વ ઉપદેશ
અંધ બનીને માનશો નહીં ગુરુના આદેશ,
આ લોક પણ પૂરો જોયો જે ગુરુએ નથી
દિલે ઉતારો અનુભવસિદ્ધ ખુલ્લા મનથી.