ગુરુ
ગુરુ
હરિ એવો આપજે સમરથ ગુરુ,
કશુંયે જ્ઞાન ન રહે અધૂરું,
હરિ એવો આપજે સમરથ ગુરુ.
અગમ નિગમના ભેદ પારખે, અર્પે નિર્મળ જ્ઞાન,
જેની સમીપે વિસરે છે, સૌ ખોટી મોટી સાન,
વિષયોથી પર થાવા અમને, ધ્યાન કરાવે પૂરું,
હરિ એવો આપજે સમરથ ગુરુ,
નાદબ્રહ્મનો નાદ લાગે, જ્યાં ઉઘડે ચક્રો સાત,
ગ્રહ નક્ષત્રો નતમસ્તક, ત્યાં રહેતા દિન ને રાત,
સૂક્ષ્મ શરીરના ગુપ્ત રહસ્યોની, યાત્રા કરાવે શરૂ,
હરિ એવો આપજે સમરથ ગુરુ.
સૂર, નરસિંહ ને મીરાં રાચે, એ વિશ્વે છે રે'વુ,
અનહત કેરો રાગ રમે જ્યાં, ત્યાં બસ રમતું રે'વુ,
પર સેવાના મારગ પર, જે ડગલું ભરાવે પૂરું,
હરિ એવો આપજે સમરથ ગુરુ.
