ગુલાબ
ગુલાબ
આ લીલા વૃક્ષોમાં લાલ ફૂલ જાણે નવ યૌવનાના હોઠની લાલી
આ વડની વડવાઈ જાણે કોઈ રૂપસુંદરીના કાળા ઘાટા કેશ,
આ ઝરણાનો ઝંકાર
જાણે કોઈ કોડીલી કન્યાના ઝાંઝરનો ઝંકાર
આ ફૂલો પર પડેલા ઔસ બિંદુ જાણે કોઈ
અપ્સરાની ભાલ પરની બિંદી,
કેવી પ્રકૃતિ સર્જી તે ન્યારી
હું તારા પર જાઉં વારી,
જેની કૃતિ આટલી મનોરમ્ય મોહમયી હોય
એનો રચયિતા કેવો હશે ?
અદમ્ય ઝંખના ઉભરી આવી આ હૃદયના ખૂણે
મખલુકાતના પરવરદિગાર ને
એક ઝલક જોવા કાજે
અદમ્ય ઝંખના ને પરિતૃપ્ત કરવા
પ્રણેતાની એક ઝલક પામવા હું ગઈ પ્રકૃતિની ગોદમાં
અલબેલી હવા સાથે,
અલબેલી અલ્લડ કન્યા જેવી શરારતી હવા એ છેડછાડ કરી મારા પાલવ સાથે
મારો પાલવ અટવાયો જઇ ને કંટક મહી,
સહસા અણધારી મુલાકાત થઈ ગઈ મારી ગુલાબ સાથે મંદ મંદ હાસ્ય અને પુલકિત ચહેરો જાણે ઈશ્વરની શ્રેષ્ઠતમ કૃતિ,
બસ મારી ખોજ અહીં પૂરી થઈ ગઈ
જાણે કિરતારની મુલાકાત થઈ ગઈ
ફૂલો જાણે ઈશ્વરનો આબેહૂબ ચહેરો લાગ્યો
ઈશ્વરે માનવીને લખેલ પ્રેમ પત્ર લાગ્યો,
મુશાયરા માં જેમ શાયર પોતાની વાહહ વાહહ સાંભળી હરખાઈ ઊઠે
એમ મારી પ્રશંશાથી
આ ફૂલનો ચહેરો ખીલી ઉઠ્યો શરમાઈને લાલચોળ બની ગયો
ગુલાબનું મંદ મંદ હાસ્ય મને મારુ પોતીકું લાગ્યું મને મારુ સ્વજન લાગ્યું
ગોષ્ઠી કરી મેં ગુલાબ સાથે પૂછ્યા એના હાલચાલ થોડાં સંવાદો થકી,
હે ફૂલ તને કોઈ ઈશ સામે ફરિયાદ નથી ?
તને કાંટા ઓની વચ્ચે ખિલાવ્યું
તને થોડું અમથું આયુષ્ય આપ્યું,
ના હું તો શુકરગુજારું ઈશનો
આવો અમૂલ્ય અવતાર દીધો મને
સંઘર્ષોની વચ્ચે પણ ખીલવાની તાકાત આપી
થોડું મળ્યું પણ મેં ઘણું કર્યું બીજા ને કામ આવ્યું મારુ આયખું
હે ફૂલ તને કોઈ ફરિયાદ નથી ભમરા માટે ?
તારો રસ એ ચૂસી જાય
ના હું તો પ્રેમનો સંદેશવાહક
લોકોને સંદેશો આપું ને ક
નફરતથી કશું ના મળે
આ પ્રેમે પથ્થર પીગળી જાય
જોને આ લાકડા ને કોરી ખાતો ભમરો પ્રેમથી મુજમાં સમાઈ જાય
આ નાનકડું ગુલાબ મોટો સંદેશો દઈ ગયું જીવવાની જડીબુટી
દઈ ગયું
મરી ને એ અત્તર થઈ ગયું
થોડું જીવી ને એ અમર થઈ ગયું
જો ને ગુલાબ કેટલું મશહૂર થઈ ગયું !

