ઘરની યાદો
ઘરની યાદો


મહોલ્લાની વચ્ચે નાનું બે રૂમનું ઘર હતું,
અમારે મન એ કોઈ મહેલથી કમ નહોતું.
કિચન એજ સ્ટડીરૂમ ને વળી એજ બેડરૂમ,
નાળિયાની ઠંડક એ.સી.થી કમ નહોતી.
બા-બાપુજી સાથે બહેન-ભાઈની જોડ હતી,
આંગણામાં અડીખમ ઉભા લીમડાની હૂંફ હતી.
શિયાળાની ઠંડીમાં રોટલા ઘડતી બા સાથે,
ચૂલાની ફરતે બેસીને તાપવાની મજા હતી.
શીરો ને સુખડી કયાંક વાર તહેવારે બનતાં,
દૂધ સાથે વાળું એજ અમારું ખાણું હતું.
ઘરની પાછળ વિશાળકાય વડનું ઝાડ હતું,
અમારી આમલી પીપળીનું એકમાત્ર સાક્ષી હતું.
ઘંટડીવાળું ઘડિયાળ જ્યારથી ઘરે આવ્યું હતું,
એના અવાજથી આખું ફળિયું જાગી જાતું હતું.
શિક્ષણપ્રેમીઓ માટે ઘર પુસ્તકાલય હતું,
કેટલાકનું વાચન ચાની ચૂસકી સાથે પૂરું થતું.
અમારા ઈસ્ત્રી ને નેઇલ કટર સાર્વજનિક ગણાતાં,
અમારું મિક્સર અમારા રસોડાની શાન હતું.
જગ્યાના અભાવમાં હૈયાનો ભાવ ભળતો હતો,
એટલે જ કમાડ ને સાંકળને બારમો ચંદ્રમા હતો.