ઘેડ
ઘેડ


સોરઠની દક્ષિણે દરિયો પખાળતો ઘેડ
કૃષ્ણ વર્યા માધવપુર રુક્મણિ કેરી કેડ
ખમીદાણા ખીરસરા નવલખા સુજ ઘેડ
મૈયારી વડાળા બગસરા બાલાગામ ઘેડ
ભાદર છેલ મધુવંતી જ્યાં ઠાલવે નીર
ઓઝત મેઘલ ને ઉબેણ વહે નદી ચીર
કાલુન્દ્રી ને ઝાંજેસરી સમ સરિતા સમે
ઉતર્યે ચોમાસે જ્યાં સલિલ ખેતરે રમે
ગિરિમાળા ગિરનાર ઉતરી લાવે કાંપ
મબલખ પાકે ધન ધાન વિના સંતાપ
નાખો એટલું નીપજે કરીયે એટલી ખેડ
નહીં નિંદવું કે ખોદવું ઘમ કે ગોરંભ ઘેડ
બેટ બનતા ગામ ચોમાસે પાણી ભરપૂર
ઉનાળે તરસ્યા સૂવે ને શિયાળે સૂકો ભૂર
છેલ ફરે ને છેતરે વળી કાદવ ભાંગે કેડ
વણ ચણા ને ગુંધરી ઘર ભરી દ્યે એ ઘેડ.