ગાજ્યાં ગગન
ગાજ્યાં ગગન
ગગને ગાજ્યો રે મેઘો ઘનઘોર, લહેરાયું યૌવન અંગ અંગ
ઢળતી રે સાંજે નીતરતા અંગે, નેણલાં શોધે સાજનનો સંગ,
શીતલ સમીર કંપાવતું દિલડું, જોશે ઝીલું ઝરમરીયો મેહ
નાજુક નમણી નારી હું રુપાળી, નયનોમાં ઊભરે છે નેહ,
ઝરુખે ઊભી થાકી લજવાતી, વરસાદની છાંટે હું છંટાતી
અટૂલી ઘરમાં ભમતી ઘૂમતી, ઘડીઓ જુગી ખૂટે ના ખૂટાતી,
આથમતો રવિ પૂરતો રંગોળી, ઊતરે માળે આભલેથી પંખી
પાંદડે ચમકે ધવલાં રે મોતી, વાલમની વાટડી જોતી ખોવાતી,
ઝૂલાવું શમણાં આભની અટારીએ, ભીંના મોરલા દૂરદૂર ટહુકે
સપ્તરંગોએ શોભે વ્યોમ, શરમની છાયી સંકોરે
લાલી અંગે,
ઘોડલા દોડાવતો આવ્યો અસવાર, મેં તો દોડીને ખોલ્યા છે દ્વાર
ભીનો ભરથાર ભાવે ભીંજવતો, ગાતું મનડું અષાઢી મેઘ મલ્હાર,
ઝાંઝર રણક્યાં ને કંગન ખનક્યાં, રોમરોમમાં લાગી રે લ્હાય
વેણી ને ગજરાની સૌરભે મલકી, યૌવન રસીલું રંગીલું શરમાય
રમેશ પટેલ(આકાશદીપ)