એકતા
એકતા
હ થકી હિન્દુ બન્યાં, મ થકી મુસલમાન,
હ ને મ ભેગા મળી, હમ બને એક ઇન્સાન.
મન મક્કા દિલ દ્વારકા, ધરજો આતમ ધ્યાન,
માનવદિલ મંદિરમાં, ભીતર રહે ભગવાન.
મંદિર મસ્જિદ એક છે, શ્રદ્ધાનું પવિત્ર સ્થાન,
અંતરમાં વસે આત્મા, અવર બધું અનુમાન.
વાનગી ઘણી વિધવિધની, તોય કહેવાય પકવાન,
સ્વાદ-રંગ જુદા-જુદા, પણ સંતોષ એક સમાન.
રહેમ, દયા-ધર્મ રાખીને, દેજો ગરીબ ને દાન,
જીવને આધાર જીવનો, ના કરશો નુકશાન.
માનવ થઈ ને તું માનવની, હિંસા કરે હેવાન,
પ્રાણઘાતની પીડાને, તું સમજે નહીં શૈતાન.
ભારત માતૃભૂમિના, આપણે સૌ સંતાન,
હિન્દૂ મુસ્લિમ હાથ મિલાવે, તો બને દેશ બળવાન.
વલ્લભ-ગાંધી વિરની, આ ગુર્જર ભૂમિ ગુણવાન,
અહિંસાના હથિયારથી, સાચવી દેશની શાન.
દેશપ્રેમ હોય દિલમાં, જેના હૈયે હિન્દુસ્તાન,
"રોશન" એકતા રાખીને, ત્યજી દેજો તોફાન.
