દિવાળી
દિવાળી
સીમને પડી ખબર કે આવી દિવાળી
સર્જી છે ચાસમાં ડૂંડી નમણી રૂપાળી,
હારબંધ દીવડી પ્રગટાવી મારે ક્યારે
યૌવન આવ્યું છે એક છોડ છોડ ત્યારે,
તેલ માટીના કોડિયા હું ક્યાંથી લાવું?
રૂની દિવેટ હજી બીડેલ કાલામાં વાવું,
મારે આંગણિયે કેટ કેટલીય રંગોળી
પાક્યે કાલ લણશે ને નાખશે ફંગોળી,
કરો હિસાબ આવી લણણીની મોસમ
નફા ખોટની કરો વાત તો મારા સમ,
લક્ષ્મી પૂજન મારે કરવું હોય હળથી
ધરતી ચીરીને અન્ન લાવવાનું બળથી,
ફોડે ફટાકડા મારા રોપલિયા નાનકડા
ફૂલઝડી ફોડવા ક્યાંથી લાવવા રોકડા,
આખા ય ખેતરમાં ગોઠવ્યા અમે મેળા
મીઠાઈ આરોગવા થ્યા છોડ ભેળાભેળા,
પરિવાર મિલન અમે ઉજવીયે અનોખું
વગર દિવાળી છે દિલ અમારું ચોખ્ખું,
સીમને પડી ખબર કે આવી દિવાળી
ને ઘોંઘાટ કરી ક્યાંથી આ લી વાળી.