ધરતીનો મહેમાન
ધરતીનો મહેમાન
વન-વગડો આ વૈભવ મારો, ડુંગર મારી શાન,
વહેતી સરિતાઓની સાથે લીલુંછમ ચોગાન,
પથ્થરોના પડખા ઉપર ગોઠવતો હું ધ્યાન,
પળે-પળે શ્વાસોમાં વહેતું કુદરતનું ગુમાન,
નવા પ્રવાસે નીકળેલો હું ધરતીનો મહેમાન.
શીતળ ઠંડી લહેરો માણું, ઝરણાં કેરું ગાન,
પંખીઓના કલરવ સાથે ગુંજી ઉઠતું રાન,
મયુરનૃત્યની શોભા જાણે ઈશ્વરનું વરદાન,
ઉન્નત શોભતું ગિરીશિખર તો મારું સ્વાભિમાન,
નવા પ્રવાસે નીકળેલો હું ધરતીનો મહેમાન.
કંદરાઓની દિલાવરી, પગદંડીનું સુકાન,
કુસુમ-વેલનો સ્પર્શ માણતો, વૃક્ષોના હોય પાન,
વાદળોનાં ટોળા વચ્ચે મેળવતો હું માન,
ડગલે-ડગલે ભળતું લોહીમાં જંગલનું સ્વમાન,
નવા પ્રવાસે નીકળેલો હું ધરતીનો મહેમાન.
